#મળેલા_જીવ #પન્નાલાલ_પટેલ
દ્વારા લિખીત ગુજરાતી નવલકથા છે. આ નવલકથા કાનજી અને જીવીની પ્રણયકથા અને બંનેના પાત્રોના સંઘર્ષની કથાનું આલેખન કરે છે. પન્નાલાલ પટેલની સીમાસ્તંભ ગણાતી આ નવલકથા અંગ્રેજીમા તેમજ કેટલીક ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે તેમજ તેનુ ફિલ્મમાં અને નાટ્યમાં રૂપાંતરણ થયું છે
કથાસાર
નવલકથામાં જેનો ઉલ્લેખ છે તે મેળો, કે જ્યાં કાનજી અને જીવી પ્રથમ વખત મળે છે
ગામડામાં રહેતા અને ભિન્ન જ્ઞાતિમાં જન્મેલા બે યુવાન પાત્રો પટેલ કાનજી અને વાળંદ જીવી જન્માષ્ટમી પ્રસંગે કાવડિયા ગામના ડૂંગરની નેળમાં ભરાયેલા મેળામાં આકસ્મિક રીતે ભેગા થાય છે અને પ્રથમ મુલાકાતે જ એકબીજાના પ્રેમમાં પડે છે, પરંતુ એ બંનેના લગ્નમાં જ્ઞાતિભેદ અવરોધરૂપ થાય છે. પોતાના મિત્ર હિરાની પ્રયુક્તિથી પ્રેરાઈને અને પોતાની પ્રેમીકા જીવી પોતાની નજર આગળ રહે એ હેતુથી, કાનજી જીવીને પોતાના ગામના કદરૂપા ધૂળા સાથે પરણાવે છે. કાનજીને આપેલા વચનથી બંધાઈને અને કાનજી પ્રત્યેની લાગણીથી દોરવાઈને જીવી આ સંબંધ કબૂલે છે, પણ એણે વહેમી પતિની મારઝૂડ વેઠવાનો વારો આવે છે. કાનજી નૈતિક સચ્ચાઈથી આત્મસંયમ જાળવે છે પણ જીવીનું દુ:ખ જોઈ ન શકતાં ગામ છોડીને નોકરીની શોધમાં શહેર ચાલ્યો જાય છે. બીજી તરફ, વહેમી પતિ તરફનો શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતાં જીવી રોટલામાં ઝેર ભેળવીને આત્મહત્યાનો પ્રયાસ કરે છે, પરંતુ વિધિવશાત્ અજાણતાં એ રોટલો ધૂળો ખાઈ જાય છે અને જીવી વિધવા બને છે. આ બનાવથી જીવી લોકનિંદાનો ભોગ બને છે અને કાનજી પણ એના પર વહેમાય છે, આથી આઘાતથી શોકમાગ્ન જીવી માનસિક સમતુલા ગુમાવી બેસે છે. છેવટે કાનજી શહેરથી આવે છે અને જીવીને પોતાની સાથે લઈ જાય છે.
સુન્દરમે આ નવલકથાની પ્રશંસા કરતા લખ્યું છે કે, 'અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ કરી શકે તેવી બની છે.
અનુવાદ અને રૂપાંતરણ
મળેલા જીવનો જીવી શીર્ષક હેઠળ હિંદીમાં અનુવાદ થયેલો છે અને તેના પરથી ઉલઝન નામનું હિન્દીમાં ચલચિત્ર પણ બન્યું છે. તેમજ આ નવલકથા પરથી ગુજરાતીમાં પણ ચલચિત્ર બન્યું છે અને તેનું નાટ્યરૂપાંતર પણ થયેલ છે. આ નવલકથાનો અંગ્રેજી અનુવાદ રાજેશ આઈ. પટેલે ધ યુનાઇટેડ સાઉલ્સ (૨૦૧૧) શીર્ષક હેઠળ કર્યો છે.