વર્લ્ડ હેરિટેજ સિટી ટાઈટલઃ ભારતના દાવેદાર શહેર
તરીકે અમદાવાદની પસંદગી
અમદાવાદ – 600 વર્ષ જૂના અમદાવાદે મુંબઈ અને દિલ્હીને પરાજીત કરી દીધું છે. કેન્દ્ર સરકારે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ભારતના દાવેદાર શહેર તરીકે અમદાવાદની પસંદગી કરી છે. સરકારે મુંબઈ અને દિલ્હીને બદલે અમદાવાદને પસંદ કર્યું છે. સરકારે પોતાની એન્ટ્રી યૂનેસ્કોને સુપરત કરી દીધી છે. ગયા શનિવારે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ હતી.અમદાવાદ આ પસંદગી માટે પહેલેથી જ સાર્થક હતું, કારણ કે તેણે પોતાના પ્રાચીન સ્થળોની છેલ્લા 20 વર્ષથી વ્યવસ્થિત રીતે કાળજી લીધી છે.
યૂનેસ્કો સંસ્થા શહેરોના નામોની જાહેરાત 2017ના જૂનમાં કરનાર છે. કહેવાય છે કે, અમદાવાદ ભારતના પ્રથમ હેરિટેજ શહેર તરીકેનું માન પ્રાપ્ત કરે એવી પૂરી શક્યતા છે.
યૂનેસ્કો અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી ઘોષિત કરશે તો અમદાવાદની બ્રાન્ડ વેલ્યૂ વધી જશે અને ત્યાં પર્યટનને ઉત્તેજન મળશે.
હાલ વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર 287 શહેરો છે. આમાં માત્ર બે જ શહેર ભારતીય ઉપખંડમાં છે. એક છે, ભક્તાપુર (નેપાળ) અને બીજું છે, ગોલ (શ્રીલંકા).
વર્લ્ડ હેરિટેજ સિટી માટે ભારતની એન્ટ્રી તરીકે મુંબઈને પસંદ કરવાની મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા અમિતાભ બચ્ચને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિતમાં વિનંતી કરી હતી.
પરંતુ, ગયા ગુરુવારે સાંજે અમદાવાદના નામ પર અંતિમ મ્હોર મારવામાં આવી હતી.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો