Anokha Gujaratno 1 Anokho Gujarati

બુધવાર, 20 જાન્યુઆરી, 2016

આ આત્મહત્યા નથી લોકશાહીની હત્યા છે : કેજરીવાલ

હૈદરાબાદ, તા. 20/01/2016

  • દલિત વિદ્યાર્થી રોહિતની આત્મહત્યા મુદ્દે વાતાવરણ તંગ : કોંગ્રેસે દત્તાત્રેય અને સ્મૃતિ ઈરાનીના રાજીનામા માગ્યા
હૈદરાબાદ યુનિવર્સિટી ખાતે દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યાનો મુદ્દો રાજકીય રંગ ધારણ કરી રહ્યો છે. રવિવારે રોહિતે કરેલી આત્મહત્યા બાદ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ દ્વારા ઠેરઠેર વિરોધ કરાયા બાદ મંગળવારે રાજકારણીઓ દ્વારા વોટબેંકની રાજનીતિ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે હૈદરાબાદ ખાતે પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કેન્દ્રીય મંત્રી દ્વારા જ રોહિતની આત્મહત્યા માટે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. રોહિતની માતા સાથે મુલાકાત કરી હતી.
બીજી તરફ અનેક વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓ દ્વારા મોટાપ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કોંગ્રેસે આ ઘટનામાં બંડારુ દત્તાત્રેય અને સ્મૃતિ ઈરાનીના રાજીનામાની માગણી પણ કરી હતી. કેન્દ્ર વિરોધી ઘટનામાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ ઝંપલાવ્યું હતું. તેલંગણા યુવા જાગ્રતિ મોરચા દ્વારા દત્તાત્રેયના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્મૃતિ ઈરાની અને તેમના મંત્રાલય સામે આરોપ મુકવામાં આવ્યો છે કે, તેમણે હૈદરાબાદ યુનિવર્સિટીને દબાણ કર્યું હતું કે,બંડારુની અરજી વીવીઆઈપીની અરજી તરીકે સ્વીકારીને પાંચ વિદ્યાર્થીઓ સામે ઝડપથી પગલાં લેવામાં આવે. માનવ સંસાધન મંત્રાલય દ્વારા પાંચ વખત બંડારુની અરજી પર પગલાં લેવા રિમાઈન્ડર મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે માનવસંસાધન મંત્રાલયે જણાવ્યું હતું કે, આ એક સામાન્ય પ્રક્રિયા છે અને અમે તેનું જ પાલન કરતા હતા. અમે કોઈ દબાણ ઉભું કર્યું નહોતું. મંગળવારે તપાસ માટે માનવ સંસાધન મંત્રાલયની ટીમ હૈદારબાદ ખાતે પહોંચી ત્યારે તેમને પાછા જવા માટે પણ વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દેશભરમાં વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
દલિત વિદ્યાર્થીની આત્મહત્યા અને અન્ય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાના વિરોધમાં દેશભરમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. દિલ્હીથી માંડીને હૈદારાબાદ સુધી અનેક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. બીજી તરફ એફટીઆઈઆઈ પુણેના વિદ્યાર્થીઓ પણ જોડાયા છે. તેમણે મંગળવારે એક દિવસ માટે ભૂખ હડતાળ કરી હતી. તેમણે પણ આ આત્મહત્યાને રાજ્ય દ્વારા પ્રેરિત જણાવી છે.
જવાબદારોને કડક સજા થાય : રાહુલ
રાહુલ ગાંધીએ મંગળવારે હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને રોહિતની માતા સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે હું અહીંયાના વિદ્યાર્થીઓ સાથે સહમત છું. રોહિતે આત્મહત્યા કરી હતી તે વાત બરોબર છે પણ તેના માટે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અને કેન્દ્રીય મંત્રી દ્વારા વાતાવરણ ઊભું કરાયું હતું. આત્મહત્યા પાછળ જે લોકો જવાબદાર છે તેમને કડક સજા પણ થવી જોઈએ.
દલિતોના ઉદ્ધારની વાતો ખોટી છે : કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે, આ આત્મહત્યા નથી, હત્યા છે. તે લોકશાહી, સામાજિક ન્યાય અને સમાનતાની હત્યા છે. મોદીજીએ આ ઘટનામાં આરોપી મંત્રીઓને હાંકી કાઢવા જોઈએ તથા ઘટના મુદ્દે દેશની માફી માગવી જોઈએ. એક તરફ મોદી સરકાર દલિતોના ઉદ્ધાર માટે વાતો કરે છે અને બીજી તરફ તેમના જ મંત્રીઓ દલિત વિદ્યાર્થીઓને પરેશાન કરે છે.
રાજકીય રોટલા શેકાવા લાગ્યા
એઆઈએમઆઈએમના નેતા અને હૈદરાબાદના સાંસદ અસાદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની ધરપકડ કરવી જોઈએ. કેન્દ્રીય મંત્રી દત્તાત્રેયને પણ પદ પરથી દૂર કરવા જોઈએ.
ભાજપના નેતા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, કોંગ્રેસ પાસે કોઈ કામ નથી અને રાહુલ મોટાભાગે વિદેશમાં જ રહેતા હોય છે. આવી કોઈ ઘટના બને ત્યારે રાજકારણ કરવા માટે દોડી જાય છે. તેમની પાસે અન્ય કોઈ મુદ્દા જ નથી.
ઘટનાને ગંભીરતાથી લો અથવા...
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીના સભ્ય સંજય પાસવાને સરકાર સામે ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. તેણે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, સત્તાનું રાજકારણ કરતા ભાગીદારોએ રોહિત પ્રકરણને ગંભીરતાથી લેવું જોઈએ અથવા વિરોધ, વિદ્રોહ, બદલા અને પ્રતિક્રિયાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
અશોક વાજપાઈએ ડી લિટની પદવી પરત કરી
દલિત યુવાનના આત્મહત્યાનો મુદ્દો ગંભીર બની રહ્યો છે. હૈદરાબાદથી માંડીને દિલ્હી સુધી વિવિધ વિદ્યાર્થી સંગઠનો તથા વિદ્યાર્થીઓ દ્વારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. હૈદરાબાદ પોલીસે પોતાનો અહેવાલ તૈયાર કરીને ગૃહમંત્રાલયને આપી દીધો છે. બીજી તરફ જાણીતા લેખક અશોક વાજપાઈએ મંગળવારે પોતાની ડી લિટની પદવી પરત કરી દીધી છે. હૈદરાબાદ દ્વારા તેમને આ પદવી એનાયત કરવામાં આવી હતી. બીજી તરફ નેશનલ કમિશન ફોર શિડયુલ કાસ્ટ દ્વારા નારજગી વ્યક્ત કરવામાં આવી હતી. કમિશનના વડા પીએલ પુનિયાએ જણાવ્યું કે, કમિશન આ મુદ્દે સતત નિરીક્ષણ કરી રહ્યું છે. તપાસમાં જરૂર જણાશે તો અધિકારીને સમસન્સ પાઠવીને તપાસ ઝડપી બનાવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો